ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

અમદાવાદ એરપોર્ટ પરથી રૃપિયા ૬૧.૪૦ લાખનું સોનું જપ્ત


અમદાવાદ, બુધવાર
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની વધુ એક ઘટના સામે આવી છે. દોહાથી આવેલા મુસાફર પાસેથી મંગળવારે મોડી રાત્રે બે કિલો ૩૦૦ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેનું મૂલ્ય રૃપિયા ૬૧.૪૦ લાખ છે. છેલ્લા બે સપ્તાહમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી છ અલગ-અલગ ઘટનામાં રૃપિયા ૧.૮૯ કરોડનું સોનું જપ્ત થઇ ચૂક્યું છે.
આ વિષે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કતાર એરવેઝની ફ્લાઇટ નંબર-ક્યુઆર ૫૩૪ મંગળવારે મોડી રાત્રે ૨ઃ૩૦ કલાકે દોહાથી અમદાવાદ આવી હતી. આ ફ્લાઇટમાં આવેલા મુસાફર મોહમ્મદ રીહબ હાજીબની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી. જેમાં અત્યંત સધન જડતી લેતા મોહમ્મદ હાજીબ પાસેથી સોનાના ૨૦ બિસ્કિટ મળી આવ્યા હતા. મોહમ્મદ હાજીબે સોનાના ૮ બિસ્કિટ એરકૂલરની મોટરમાં જ્યારે સોનાના ૧૨ બિસ્કિટ ઓવનના કેપેસિટરમાં કન્સિલ કરીને છૂપાવ્યા હતા.
મૂળ કર્ણાટકના એવા મોહમ્મદ હાજીબની વધુ પૂછપરછ-કાયદાકીય પ્રક્રિયા માટે અટકાયત કરવામાં આવી છે.  આ વર્ષના પ્રથમ નવ મહિનામાં જ અમદાવાદ એરપોર્ટ ખાતેથી કુલ રૃપિયા ૧૩.૧૦ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તહેવારોની મોસમ નજીક આવી રહી હોવાથી સોનાની દાણચોરીના વધુ કિસ્સા સામે આવે તેમ મનાઇ રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો