મંગળવાર, 17 નવેમ્બર, 2015

રાજકોટ: બળદ અને ખેડૂત પરિવાર વચ્ચેના પ્રેમની આ કહાની વાંચીને તમારી આંખો થઈ જશે ભીની


માનવી અને પશુ વચ્ચેનાં લાગણીનાં સબંધોનાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. વધુ એક બનાવમાં બાબરા પંથકમાં ર૦ વર્ષથી ખેડૂત પરિવાર સાથે સાથ નિભાવનાર બળદનું નિધન થતાં ખેડૂત પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ખેડૂત પરિવારે પણ પોતાનાં જ પરિવારનો સભ્ય ગુમાવ્યાંનાં અફસોસ સાથે બળદની અંતિમવિધી કરી તેની પાછળ બટુક ભોજન અને સંતવાણી જેવા કાર્યક્રમો કરી બળદ મુંજડાને શાંતિ અર્પી હતી.

બાબરા તાલુકાનાં દાંતીનાં સમઠીયાળા ગામે રહેતા રામભાઈ મેતા નામના આહિર પ્રૌઢની વાડીમાં કામ કાજ માટે બે બળદ રાખ્યાં હતા. જે પૈકીનો એક બળદ મુંજડો હતો. જેને આહિર પરિવાર એક ઘરનાં સભ્ય તરીકે રાખતા હતા. દરમિયાન અચાનક મુંજડાનું મૃત્યુ થતાં આહિર પરિવાર ગમગીન બની ગયો હતો. વીસ વર્ષથી સાથે રહેલા મુંજડાનાં વિદાયથી શોકાતુર બનેલા આહિર પરિવારે વિધીવત તેની અંતિમવિધી કરી દફનાવ્યો હતો.

ત્યાર બાદ મુંજડાનાં મૃત્યુ પાછળ આહિર પરિવારે ગામનાં તમામ બાળકોને બોલાવી બટુક ભોજન કરાવ્યું હતુ. એટલું જ નહી મુંજડાની યાદમાં એક સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

ગમાણમાં સાથે રહેલા અન્ય બળદે રાશ તોડી નાંખી
વધુમાં સુરેશભાઈ આહિરે જણાવ્યું હતુ કે, વાડીમાં બનાવેલા ગમાણમાં મુંજડા સાથે અન્ય એક બળદ પણ રહેતો હતો. દરમિયાન મુંજડાએ જયારે દેહ ત્યાગ કર્યો તે વેળાએ અન્ય બળદ અહીં બાંધેલો હતો. આ સમયે તે બળદે ખીલે બાંધેલો રાશ (દોરડું) પણ તોડી નાંખી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો